Satsang Sadhana Shibir, Richmond, US, 2014

Satsang Sadhana Shibir - 2 Richmond, Virginia, US  29-31 Aug 2014

એસજીવીપી ગુરુકુલ પરિવાર યુએસએ દ્વારા  સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં રીચમંડ ખાતે શ્રીરાજેશભાઇ લાખાણીની ડેઇઝીન હોટેલમાં સત્સંગ સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગણેશ ચતુર્થીના પાવન દિવસે પૂજ્ય સ્વામીજીએ ગણેશ પૂજન સાથે શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ શિબિરમાં ધ્યાન, ભજન તથા કથાવાર્તાના વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય શિબિરમાં શિબિરાર્થીઓને પૂજ્ય સ્વામીજીએ જીવન ઘડતરનું અનોખું માર્ગદર્શન આપ્યું હતું. સ્વામીજીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “સ્વર્ગમાં જવાની એષણાઓ છોડીને નાનકડાં ઘરને જ સ્વર્ગ બનાવવું જોઇએ. સ્વર્ગનું નિર્માણ માત્ર સાયન્સ કે ટેકનોલોજીથી નથી થતું, સ્વર્ગનું સર્જન પ્રેમ, સમજણ અને સંસ્કારોથી થાય છે. ઘરમાં નિત્ય ઘરસભાઓ થવી જોઇએ, સાંજ-સવાર પ્રાર્થનાઓ થવી જોઇએ. કદાચ ધાર્યું થાય કે ન થાય તો સમજણથી સ્થિર રહેતા શિખવું જોઇએ. પોતાના નાના બાળકો માટે અચૂક સમય ફાળવવો જોઇએ. ક્યારેક પરિવાર સાથે પર્યટન, તીર્થયાત્રા અને દેવદર્શને પણ જવું જોઇએ.

સાયન્સ અને ટેકનોલોજી ઘરને સમૃદ્ધિથી છલકાવી દે છે, જ્યારે સત્સંગથી જીવન સમૃદ્ધ બને છે. માટે સંતોનો સંગ અને સારું વાંચન નિયમિત કરવું જોઇએ.”

શિબિર દરમિયાન સવારના પ્રથમ સેશનમાં વેદાંતસ્વરુપ સ્વામીએ યોગાભ્યાસ તથા ધ્યાનની વિવિધ રીતો શીખવી હતી. ભક્તવત્સલદાસજી સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત વચનવિધિ ગ્રંથના આધારે મનનીય પ્રવચનો કર્યા હતા.

ન્યુજર્સી, ન્યુયોર્ક, અટલાન્ટા, શાર્લોટ, રાલે વગેરે રાજ્યોમાંથી હરિભકતોએ પધારી આ શિબિરનો લાભ લીધો હતો. ગુજરાતથી મફતલાલ પટેલ પણ આ શિબિરમાં ખાસ જોડાયા હતા. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજના ટ્રસ્ટી શ્રી વિરજીભાઇ પાઘડાળે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. રાજેશભાઇ લાખાણી, રસિકભાઇ લાખાણી વગેરે પરિવારજનોએ શિબિરમાં પધારેલા ભક્તોની ભારે આગતા-સ્વાગતા કરી હતી. રાજેશભાઇએ પોતાની મોટેલ શિબિરાર્થીઓ માટે કોઇ પણ ચાર્જ વગર ખૂલ્લી મૂકી દીધી હતી. તેમજ સર્વ ભક્તજનો માટે ભોજન વગેરેની તમામ વ્યવસ્થા ઉત્સાહથી કરી હતી.

શિબિરની પૂર્ણાહુતિ સમયે પૂજ્ય સ્વામીજીએ રાત્રિ-દિવસ શ્રદ્ધાથી રસોડાની સેવા કરનાર સ્વયંસેવકો, બહેનો તથા રીચમંડ સત્સંગ મંડળનો તથા રાજેશભાઇના સમગ્ર પરિવારનો આભાર વ્યકત કરી બહુમાન કર્યું હતું.

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.