સત્સંગ સભા - Satsang Sabha Chicago 2015
અમેરિકામાં શિકાગો ખાતે શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી તથા સંતમંડળીની પધરામણી : શ્રી સ્વામિનારાયણ સત્સંગ વડતાલના ઉપક્રમે યોજાયેલી સત્સંગ-સભામાં મનનીય ઉદ્બોધન તથા પ્રશ્નોતરીથી હરિભકતો ભાવવિભોર : ઝુલા ઉત્સવ તથા કિર્તન ભકિતના આયોજન કરાયા
અમેરિકા ખાતે સત્સંગ વિચરણ કરતા સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સંતમંડળ સાથે શિકાગો પધાર્યા હતા.
શિકાગો ખાતે ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ વડતાલના અગ્રણીઓ શ્રી અર્જુનભાઇ માલવીયા વગેરેએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
રવિવારે નિયમિતપણે યોજાતી સત્સંગસભામાં સ્વામીશ્રીએ સત્સંગીઓને ધર્મલાભ આપ્યો હતો.
સત્સંગસભામાં સદ્ગુરુ તત્ત્વોનો મહીમાં સમજાવતા સ્વામીશ્રીએ કહ્યું હતું કે, શાસ્ત્રો અને સદ્ગુરુ એ બે આપણી આંખો છે. આપણે ગમે તેટલા બુદ્ધિશાળી હોઇએ પણ સદ્ગુરુની પ્રાપ્તિ વિના ભગવદ્પ્રાપ્તિ સંભવ નથી. ભારતીય સંસ્કૃતિમાં સદ્ગુરુનો ભારોભાર મહિમા કહેવામાં આવ્યો છે.
સત્સંગના ભાવિક ભાઇ-બહેનોએ સ્વામીશ્રી સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી. સ્વામીશ્રીએ જણાવ્યું હતું
કે, સત્સંગ વન-વે ન હોવો જોઇએ. સત્સંગમાં પ્રશ્નોત્તરી ખૂબ આવશ્યક છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતો પ્રશ્નોત્તરીથી ભરપૂર છે. પ્રશ્નોમાં પણ ફીલોસોફીકલ પ્રશ્નો કરતા જીવનલક્ષી અને સાધનાલક્ષી પ્રશ્નો અમને વધારે ગમે છે. સ્વામીશ્રી સાથેની પ્રશ્નોત્તરી સર્વ માટે ભારે રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણમાસ ચાલતો હોવાથી ભકતોએ ભાવથી ઝુલા ઉત્સવ રાખ્યો હતો. સ્વામીશ્રી સાથે પધારેલ સંગીતકાર ધનશ્યામ ભગતે સુંદર કીર્તનભકિત દ્વારા વાતાવરણને રસમય અને ભાવપૂર્ણ બનાવ્યું હતું. વેદાંત સ્વામી તથા સ્નેહલ પીઠડિયાએ સભાસંચાલન કર્યું હતું.
સત્સંગના ઉત્સાહી ભાઇબહેનોએ સુંદર હીંડોળો સજાવ્યો હતો તથા ભોજન પ્રસાદ વગેરેની સર્વ સેવા ઉત્સાહથી ઉપાડી લીધી હતી.
Add new comment